સંસ્કારો

ષોડશ સંસ્કારો

સમ્ પૂર્વગ્ કૃગ્ન્ પ્રત્યયથી સંસ્કાર શબ્દ ની રચના થાય છે; સંસ્કરણં સમ્યક્કરણં વા સંસ્કાર: એટલે કે શુધ્ધી કરવી, પૂર્ણ કરવું, યોગ્ય કરવું. વગેરે…

સંસ્કાર શબ્દ પ્રત્યે અલગ-અલગ મહર્ષિ-જ્ઞાતાઓએ અલગ-અલગ વ્યાખ્યાઓ આપી છે. સંસ્કાર એટલે તે ક્રિયાઓ કે રીતિઓ કે જેના દ્વારા યોગ્યતા પ્રાપ્ત થાય છે, દુર્ગુણો કે દોષો નો પરિહાર અને ગુણો નો વિકાસ, સંસ્કાર હિંદુ ધર્મ અને સંસ્કૃતિની વિશિષ્ટ ધાર્મિક અને આનુષ્ઠાનિક ક્રિયાઓ છે. આ જ સંસ્કારો થકી માનવ જીવનમાં ગર્ભાધાનથી લઇ અંતિમ સંસ્કાર (મૃત્યુપર્યન્ત) પૂર્ણતા અને યોગ્યતા કેળવવા ના ઉદ્દેશ્ય સાથે જીવન દરમિયાન સમય-સમય ઉપર સંપન્ન કરવામાં આવે છે.

માનવ જીવનમાં સંસ્કારોનું મહત્વ ઘણું જ રહેલ છે. જેમ સોનું-લોઢું વગેરે ધાતુઓને તપાવી તેમાંથી ચમક-પ્રકાશ વગેરે ઉત્પન્ન કરી વિભિન્ન સૌન્દર્યતા પ્રાપ્ત કરી શકાય છે, મેલ-અશુધ્ધતા દૂર કરી શકાય છે તેવી જ રીતે મનુષ્યના જીવન માં રહેલ પાપ-અજ્ઞાનતા ને દૂર કરીને અચાર-વિચાર અને જ્ઞાન-વિજ્ઞાન મેળવી અંતઃકરણ શુદ્ધ કરીને જીવને શિવમાં એક કરી; આત્મા સો પરમાત્માનો ભાવ કેળવી શકાય છે.

સંસ્કારને લઇ વિદ્વાનોમાં વિભિન્નતા તેમજ વર્ગીકરણ પણ છે.જેમકે ગૌતમ ધર્મસૂત્ર અને સંયાસોપનિષદ્ માં ૪૦ સંસ્કારો, ગૌતમ સ્મૃતિમાં ૪૮ મહર્ષિ અંગિરાએ ૨૫ સંસ્કારો ગણાવ્યા તો મહર્ષિ મનુએ ૧૨ બોધાયન, પારસ્કર, વરાહે ગૃહસૂત્રમાં ૧૩ વૈખાનશ ગૃહસૂત્રમાં ૧૮ નારદ પરીવ્રાજકોપનીષદમાં ૪૦ વૈષ્ણવધર્મશાસ્ત્ર અને આશ્વલાયન ગૃહસૂત્રમાં ૧૦ સંસ્કાર બતાવ્યા છે. જયારે માર્કન્ડેય, વ્યાસ અને યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારોએ ષોડશ સંસ્કારોનો ઉલ્લેખ કરેલ છે. પૂરાણોમાં પણ વિવિધ સંસ્કારોનો ઉલ્લેખ છે; પરંતુ આ બધામાં હાલ પ્રચલિત અને ઉપયોગી પ્રમુખ ષોડશ સંસ્કાર આ મુજબ છે. (૧) ગર્ભાધાન (૨) પુંસવન (૩) સીમન્તોન્નયન (૪) જાતકર્મ(૫) નામકરણ (૬) નિષ્ક્રમણ (૭) અન્નપ્રાશન (૮) ચૂડાકરણ (૯) કર્ણવેધ (૧૦) ઉપનયન (વ્રતબંધ, જનોઈ) (૧૧) અક્ષરારંભ (૧૨) વિદ્યારંભ (વેદારંભ) (૧૩) કેશાન્ત (ગોદાન, દાઢી-મુછ ઉતારવી) (૧૪) સમાવર્તન (વેદસ્નાન, દીક્ષાંત) (૧૫) વિવાહ (લગ્ન) (૧૬) અન્ત્યેષ્ટિ (અંતિમ) સંસ્કાર.

(૧) ગર્ભાધાન સંસ્કાર : પ્રજોત્પતિના ઉદ્દેશ્ય સાથે સસ્ત્રોક્ત વિધિ દ્વારા નર-નારી નું મિલન એટલે ગર્ભધાન સંસ્કાર. આ સંસ્કારનો મુખ્ય હેતુ યોગ્ય-અનુકુળ બાળકની પ્રાપ્તિનો છે.

શુભ તિથી : શુક્લ પક્ષમાં- ૨,૩,૫,૭,૧૦,૧૨,૧૩, કૃષ્ણ પક્ષમાં- ૧,૨,૩,૫,૭,૧૦

શુભ વાર : સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર (રવિવાર, મંગળવાર, શનિવાર ત્યાજ્ય)

શુભ નક્ષત્ર : રોહિણી, મૃગશીર્ષ, ઉ.ફ., હસ્ત, સ્વાતી, અનુરાધા, ઉ.ષા., શ્રાવણ, ધનિષ્ઠા, શતભિષા  તથા ઉ.ભા. શુભ છે, જયારે અશ્વિની, પુનર્વસુ , પુષ્ય અને ચિત્રા ઉપરના નક્ષત્રના અભાવમાં માધ્યમ પ્રકારેથી લઈ શકાય.

શુભયોગ : વ્યતિપાત, વૈધૃતિ, સંપૂર્ણ ત્યાજ્ય અને પરિઘનું પ્રથમ અડધું ત્યાગી બાકીના યોગ શુભ ગણવા.

શુભકરણ : વિષ્ટિ કરણને સંપૂર્ણ ત્યાગી બાકીના ક્રમ લઈ શકાય.

(૨) પુંસવન સંસ્કાર : સંસ્કૃતમાં પુંસવન એટલે “પુસ્” અને “અવનમ્” થી મળીને બનેલો શબ્દ છે. પુસ્ એટલે પુરુષ અને અવનમ્ એટલે ઈચ્છા કે કામના. આમ પુત્ર ની ઈચ્છા કે કામના થી કરવામાં આવેલ સંસ્કાર એટલે પુંસવન સંસ્કાર. આ સંસ્કારથી ગર્ભસ્થ શિશુના બૌધિક અને માનસિક વિકાશના માટે તથા સ્વસ્થ, સુંદર અને ગુણવાન સંતાનની પ્રાપ્તિ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. સ્ત્રીમાં ગર્ભાધાનના ચિહ્ન પ્રગટ થતા બીજા કે ત્રીજા માસમાં કરવામાં આવે છે. જો ત્રીજા માસ સુધી પ્રથમ ગર્ભનું જ્ઞાન પ્રાપ્ત ન થાય તો ચોથા માસમાં પણ કરી શકાય છે. અમુક પરિસ્થિતિને લઈ સીમન્તોન્નયન સંસ્કાર વખતે પણ કરી શકાય છે. આ સંસ્કાર ક્ષેત્ર સંસ્કાર હોતા એક જ વખત એટલે કે પ્રથમ ગર્ભ ના સમયે કરવામાં આવે છે.

શુભ તિથી : શુક્લ પક્ષમાં- ૨,૩,૫,૭,૧૦,૧૧,૧૩, કૃષ્ણ પક્ષમાં-૧,૨,૩,૫,૭,૧૦,૧૧.

શુભ વાર : રવી, મંગળ, ગુરુ (પુરુષ ગ્રહ વારોના સ્વામી હોતા), સોમ, બુધ, શુક્ર પણ લઈ શકાય.

શુભ નક્ષત્ર : મૃગશીર્ષ, પૂનર્વસુ, પૂષ્ય, હસ્ત, મૂળ અને શ્રવણ ઉપરાંત રોહિણી, ત્રણેય ઉત્તરા તથા રેવતી નક્ષત્ર પણ લઈ શકાય.

શુભ યોગ : અશુભ નવેય યોગ ના જેતે સમયો ત્યાગવા.

શુભકરણ : વિષ્ટિ કરણ સિવાય ના કરણ લઇ શકાય.

ગર્ભના માસેશ : ગર્ભમાસેશ બલી હોવો જરૂરી છે. એટલે કે ગર્ભમાસેશ સ્વરાશિનો, પોતાની ઉચ્ચ રાશિમાં, મિત્ર રાશિમાં કે સ્વ નવમાસમાં હોતા વધુ સારું.

જો ગર્ભમાસેશ શત્રુ રાશિનો, નીચનો, વક્રી, અસ્તનો હોય તો ત્રીજા કે ચોથા માસમાં પુંસવન સંસ્કાર કરવો જોઈએ. ગર્ભના માસોની ગણના હંમેશા ચંદ્ર માસથી ન ગણતા સૌર માસથી કરાવી જોઈએ. ગર્ભના માસ નીચે મુજબ છે.       

 ગર્ભનો માસપ્રથમદ્વિતીયતૃતીયચતુર્થપંચમછષ્ઠસપ્તમઅષ્ટમનવમ દશમ
ગર્ભનો સ્વામી શુક્રમંગળગુરુસૂર્યચંદ્રશનિબુધગર્ભધાન લગ્નનો સ્વામીચંદ્રસૂર્ય

(૩) સીમન્તોન્નયન સંસ્કાર : ગર્ભાવસ્થા દરમિયાન આ છેલ્લો સંસ્કાર છે. સીમન્તોન્નયન એટલેએટલે “સારી રીતે વાળનો શૃંગાર કરીને સેંથો પૂરવો” જેમકે ગર્ભવતી સ્ત્રીને આ સંસ્કારમાં વાળ ઓળીને સેંથો પૂરવામાં આવે છે. આ સંસ્કારમાં અન્ય અખોવન (જેનું કોઈ બાળક મરણ પામ્યુ નથી કે કસુવાવડ થયેલ નથી તે) સ્ત્રી દ્વારા ગર્ભવતી સ્ત્રીનો સુશોભન કરવામાં આવે છે.

બાળકમાં સારાગુણ,સ્વભાવ અને કર્મનું જ્ઞાન મળે તથા બાળકનાં યોગ્ય વિકાસ માટે ગર્ભવતી સ્ત્રી પણ યોગ્ય આચાર-વિચાર, રહેણી-કરણી તથા વ્યવહાર કરે છે,

જન્મનાં ૪,૬,કે ૮ માં મહીને આ સંસ્કાર કરવો જોઈએ. પરંતુ સ્મૃતિચંદ્રિકા વગેરેમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે પ્રસુતિનાં સ્નાન પછી પણ દિનશુદ્ધિ હોતા આ સંસ્કાર કરી શકાય. માસોની સંખ્યા સૌરમાસથી કરવી જોઈએ. આ સંસ્કાર પણ “ક્ષેત્ર સંસ્કાર” કહી શકાય. એટલે જ પ્રથમ ગર્ભવેળા થઇ શકે છે. શુભ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ પુંસવન સંસ્કારની માફક લઇ શકાય છે.

નોંધ : ગર્ભાધાન-પુંસવન અને સીમન્તોન્નયન આ ત્રણેય સંસ્કાર બાળક ગર્ભમાં હોતા જ એટલે કે જન્મ પહેલાના જ હોતા બાળકની માતાએ-ગર્ભવતી સ્ત્રીએ તથા તેમના પતિએ વિજ્ઞાનસભર ધર્મશાસ્ત્રીય અમુક નિયમો પાળવા જેમકે

ગર્ભિણી સ્ત્રીને સુવાવડ માટે મોકલવાનું મુહૂર્ત :

નક્ષત્રો : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા. હસ્ત, ચિત્રા, સ્વાતિ. અનુરાધા, ઉ.ષા. ધનિષ્ઠા, શતતારકા, ઉ.ભા. અને રેવતી શુભ છે.

૪,૯,૧૪ તથા ૩૦ તિથિઓ વજર્ય કરવી. પ્રસુતિ સમય પ્રાપ્ત થતાં મુહૂર્ત જોવાની જરૂર નથી.

ગર્ભવતી સ્ત્રીને માટે વ્યાયામ કરવો “કષ્ટ સાથેનો”, ઊંચી-નીચી ભૂમિ ઉપર ચડવું-ઉતરવું, દેવસ્થાનમાં, બગીચામાં કે નદી ઉપર જવું, પુરુષનો સંસર્ગ કરવો, નદીમાં તરવું, વજનદાર વસ્તુઓ ઉચકવી, ખાડા-ખડબા વાળા રસ્તામાં ગાડીમાં બેસવું, નિર્જન ઘર કે વૃક્ષ નીચે બેસવું, ઝડપ થી સીડી ચડવી, વધારે પડતું ક્ષારવાળું ભોજન કે વધુ પાવરવાળી દવાનું સેવન કરવું, દિવસમાં શયન અને રાત્રે જાગરણ, કુકકુટાસનમાં બેસવું વગેરે બાબતોને ધર્મશાસ્ત્રમાં નિંદિત કહેલી છે.

ગર્ભવતી સ્ત્રીનાં પતિએ પણ પોતાની સ્ત્રી ગર્ભવતી હોતા તિર્થગમન, સમુદ્રમાં સ્નાન, વૃક્ષો કાપવા, દેશ-પરદેશની મુસાફરીઓ, માતા-પિતાને બાદ કરતા અન્યને અગ્નિસંસ્કાર, નૈમિતિક કર્મો ને બાદ કરતા અન્ય ખાસ પરિસ્થિતિમાં ક્ષૌર (મુંડન) વગેરે બાબતોને ત્યાગવી જોઈએ.

વિષ્ણુ ભગવાનની પૂજા : ગર્ભની રક્ષા કરવાના ઉદ્દેશ્યથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. સીમન્તોન્નયન સંસ્કાર પછી આ પૂજા કરાવવી જોઈએ. મોટાભાગે આજકાલ આ પૂજા સીમન્તોન્નયનના દિવસે જ લોકો કરતા થયા છે. આ પૂજા પૂર્વાહનમાં કરવી જોઈએ.

ગર્ભિણી સ્ત્રીને ઘર-હોસ્પિટલમાં પ્રવેશ કરાવવાનું મુહૂર્ત : આ મુહૂર્ત સામાન્ય રીતે કફોળી કે સંકટ સમય નું મુહૂર્ત ગણાવી શકાય. પહેલાના સમયમાં ઘરમાં જ પ્રસુતિ થતી જેમના માટે વાસ્તુ મુજબ નૈઋત્ય ખૂણો રહેતો. પરંતુ આજકાલ મોટાભાગે પ્રસુતિ હોસ્પિટલોમાં કે લેબરરૂમમાં થતી હોય છે. મોટાભાગે પ્રસવપીડા ઉદ્ભવતા આ મુહૂર્તને અનુસરવું થોડું મુશ્કેલ છે. છતાં પણ જો સમય હોય તો-

શુભ તિથિ : ૪,૯,૧૪, સુદ એકમ અને અમાવસ મેં ત્યાગી અન્ય તિથિઓ

શુભ વાર : શનિવારને ત્યાગી અન્ય વાર

શુભ નક્ષત્ર: અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ,પૂનર્વસુ,પુષ્ય,ઉત્તરાફાલ્ગુની,હસ્ત,ચિત્રા,સ્વાતી,

ગ્રહણ, મહાપાત, સૂર્ય સંક્રાંતિ વગેરેને ત્યાગવા.

બાળકનાં જન્મ વખતનો અશુભ (અયોગ્ય) સમય : દૈનિક વૈધૃતિ, દૈનિક અનુરાધા, ઉ.ષા., શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ઉ.ભા. અને રેવતી.વ્યતિપાત, મહાપાત વૈધૃતિ-મહાપાત વ્યતિપાત, અંધારી-૧૪, અમાવસ, ક્ષય વૃધ્ધિ તિથિ, વિષ્ટિ, સૂર્યની સંક્રાંતિ અને તેનો પૂણ્યકાળ, યમલ (જોડિયા) બાળકો, ત્રિકપ્રસવ (ત્રણ છોકરા પછી છોકરીનો જન્મ કે ત્રણ છોકરી પછી છોકરાનો જન્મ) જન્મ, સૂર્ય કે ચંદ્રનાં ગ્રહણમાં જન્મ, સદંત (દાંત સાથેનો) જન્મ, વિપરીત (માથાના બદલે પગથી) જન્મ, તિથિગંડાંત, (અમાસ-એકમ, પૂનમ-એકમ, ૫-૬ અને ૧૦-૧૧ અહી જે યુગલ તિથિ બતાવેલી છે. તેમાં આગળ અને પાછળની તિથિની એક-એક ઘડી એટલે કે સાથે મળી બે ઘડીને તિથિગંડાંત કહે છે. સામાન્ય રીતે બે ઘડી અર્થાત ૪૮ મિનિટ ગણવી) જન્મ, નક્ષત્ર ગંડાંત (રેવતી-અશ્વિની,આશ્લેષા-મધા,અને જયેષ્ઠા-મૂળ અહી જે યુગલ નક્ષત્ર બતાવેલ છે.તેમાં આગળ અને પાછળ ના નક્ષત્રની એક-એક ધડી એટલે કે સાથે મળી બે ઘડીને નક્ષત્રગંડાંત કહે છે.સામાન્ય રીતે બે ધડી અર્થાત ૪૮ મિનિટ ગણવી) જન્મ, એક નક્ષત્ર જનન શાંતિ (માતા-પિતા-મોટાભાઈના જન્મ નક્ષત્રમાં બાળકનો જન્મ), પુષ્ય,નક્ષત્રનું બીજુ અને ત્રીજુ ચરણ, આશ્લેષા-મધા અને ઉત્તરાફાલ્ગુનીનું પહેલુ ચરણ, ચિત્રાનું પ્રથમ અડધુ, વિશાખાનું ચોથુ ચરણ, મૂળ નક્ષત્રનાં  પ્રથમ ત્રણ ચરણ (અપવાદમાં ચારેય ચરણ), જયેષ્ઠા તથા પૂર્વાષાઢા નક્ષત્રનું ત્રીજુ ચરણ દોષ કારક ગણાય.

ઉપરનાં દોષ ઉપરાંત વધતા-ઓછા પ્રમાણમાં તિથિ, નક્ષત્ર,લગ્ન,બાલગ્રહો જન્મ સમયે અશુભ સ્થાનોમાં રહેલ ગ્રહો વગેરેની યથાયોગ્ય પૂજન વિધાન કરાવવું. ધર્મશાસ્ત્રીય દષ્ટિએ યોગ્ય ગણાય.

આ અશુભ દોષનો પરિહાર જન્મના બારમાં દિવસે શાંતિહોમ કરાવવાથી થાય છે. જેમાં આહુતિચક્ર અને અગ્નિચક્ર એ જોવાનું આવશ્યક નથી, પરંતુ જન્મનાં બારમાં દિવસે શાંતિ ન થઇ શકી હોય તો જે તે જન્મનો અશુભ કાળ હોય ત્યારે અથવા શુભ મુહૂર્ત જેમ કે શુભ વાર, શુભ તિથિ, તેમજ નક્ષત્રોમાં ત્રણેય ઉત્તરા, રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂનર્વસુ, સ્વાતી, મધા, અશ્વિની, હસ્ત, પુષ્ય, અનુરાધા અને રેવતી નક્ષત્રો લેવા. તેમજ પંચાંગ શુદ્ધિ જોવી. તેમજ ધર્મસિંધુના મતે આ સમયે અગ્નિચક્ર અને આહુતિચક્ર જોવું જરૂરી છે.

(૪)  જાતકર્મ સંસ્કાર :  બાળકના જન્મપછીનો પ્રથમ સંસ્કાર એટલે જાતકર્મ સંસ્કાર. અનેક પ્રકારનાં દોષ દુર કરવાનો હેતુ આ સંસ્કારનો છે. ઘી અને મધ મિશ્ર કરી બાળકની જીભ ઉપર “ઓમ” લખવામાં આવે છે કે ચટાડવામાં આવે છે. લોક વાઈકામાં આ પ્રથાને “ગળથુથી” કહેવામાં આવે છે. અર્વાચિન સમયમાં બાળકને સર્વ પ્રથમ માતાના દૂધનો આગ્રહ રખાય છે. નાળછેદન કરતાં પહેલા આ સંસ્કાર પિતા દ્વારા થતો. હાલ નામકરણની સાથે આ સંસ્કારને લોકો મનાવતા થયા છે.

જન્મ સમયે આ સંસ્કાર કરવાથી મુહૂર્ત જોવાની જરૂર નથી. બાકીની સ્થિતીએ મુહૂર્ત જોવું.

સૂતિકા સ્નાન મુહૂર્ત :  બાળકનાં જન્મ પછી અને નાળછેદન કર્યા પછી જનના શૌચ-વૃદ્ધિ સૂતક પરિવારમાં રહે છે. સામાન્ય રીતે જનના શૌચ ૧૦ દિવસની હોય છે.

યોગ્ય ભાષામાં સ્ત્રીને પ્રસવ થયા પછી વિસમ દિવસોમાં (બાળકનાં જન્મ દિવસથી) કરાવવામાં આવતા સ્નાનને “સૂતિકા સ્નાન” કહે છે. ૩ કે ૫ માં દિવસે પ્રથમ સ્નાન ૭ માં દિવસે બીજું સ્નાન અને ૧૧ માં દિવસે ત્રીજા સ્નાનની સાથે-સાથે બાળક અને સૂતિકા સ્ત્રીનાં ગૃહ (રૂમ) નું પણ સ્નાન સહિત શુદ્ધિકરણ થાય છે. દિવસની ગણતરી સૂર્ય ઉદયથી અર્થાત સૌર દિવસથી થાય છે. મુહૂર્તમાં નીચેની બાબત જોવી.

તિથિ : ૨,૩,૫,૭,૧૦,૧૧,સુદ-૧૩, વદ-૧

વાર : રવિવાર, મંગળવાર, અને ગુરૂવાર ઉત્તમ, બુધ અને શનિવાર છોડવા.

નક્ષત્ર : અશ્વિની,રોહિણી,મૃગશીર્ષ,ઉ.ફા.હસ્ત,સ્વાતી,અનુરાધા,ઉ.ષા. ઉ.ભા. અને રેવતી શ્રેષ્ઠ છે. આશ્લેષા, પૂ.ફા. જયેષ્ઠા, પૂ.ષા. ધનિષ્ઠા,શતભિષા અને પૂ.ભા. મધ્યમ જાણવા.

પ્રક્રીર્ણ બાબત :  ૪,૮,૧૨ મો ચંદ્ર છોડવો. આ મુહૂર્ત ચોક્કસ સમયદર્શક હોય અન્ય બાબતોનો વિચાર કરી શકતો નથી. જેમકે ગુરૂ-શુક્ર લોપ, ધનારક-મીનારક, અધિક માસ, ક્ષય માસ વગેરે, અમુક જ્ઞાતિઓમાં ૧૧ માં દિવસે રવિવાર આવતો હોય તો શ્રેષ્ઠતા જાણી “સૂર્ય પૂજા” પણ કરાવાય છે.

પંચમી અને ષષ્ઠી પૂજન મુહૂર્ત : બાળકનાં જન્મ પછી પાંચમાં દિવસે જીવન્તી દેવીનું પૂજન અને છઠ્ઠે દિવસે ષષ્ઠીદેવીનું પૂજન કરાવાય છે. ગામઠી ભાષામાં “વિધાત્રિ” પૂજન કહે છે. આ મુહૂર્ત ચોક્કસ સમયદર્શક હોય પંચાંગ શુદ્ધિ જોવાતી નથી. બ્રાહ્મણને વિભિન્ન દાન તથા કુળની સ્ત્રીઓ માંગલિક ગીતો ગાય છે.

પ્રથમ સ્તનપાન મુહૂર્ત : જયારે સર્વપ્રથમ નવજાત બાળકને માતા પોતાનું દુધ પિવડાવે છે ત્યારે આ મુહૂર્ત જોવાય છે. સામાન્ય રીતે આજકાલ આ મુહૂર્ત જોવાતું નથી. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળકનાં જન્મ પછી ૨ કલાકની અંદર અપાતું માતાનું પ્રથમ સ્તનપાન બાળકના માટે “અમૃત સમાન” ગણાવાય છે. અહીં મુહૂર્તની દ્રષ્ટિએ નિમ્ન બાબતો શુભ ગણાવાય છે.

તિથિ : સુદ-૧, વદ-૧૩, ૪, ૯, ૧૪ અને અમાસ ત્યાગવા

વાર : મંગળવાર અને શનિવાર ત્યાગવા.

નક્ષત્ર : અશ્વિની,રોહિણી,મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા. હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉ.ષા., શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ઉ.ભા. અને રેવતી. શુભ છે.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવ યોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા. અન્ય બાબતો ખાસ જોવાતી નથી.

(૫) નામકરણ સંસ્કાર : પાંચમો સંસ્કાર એટલે નામકરણ સંસ્કાર. નામ વ્યક્તિની ઓળખ છે, પ્રભુત્વ છે. પ્રાચિન સમયમાં નામ જોઈ વર્ણ ઓળખાતો જેમકે બ્રાહ્મણનું નામ મંગલવાચક, ક્ષત્રિયનું નામ બળવાચક, વૈશ્યનું નામ ધનયુક્ત અને શુદ્રનું નામ સેવાપરક રખાતું. પુરુષનું નામ સમ (બેકી) અક્ષરમાં અને સ્ત્રીઓનું નામ વિષમ (એકી) અક્ષરમાં રખાતું. જન્મદિવસથી ૧૦,૧૧,કે ૧૨ મેં દિવસે અથવા પોતાના કુળ રિતિરિવાજ મુજબનાં સમયે નામકરણ સંસ્કાર થાય છે. મુહૂર્ત માં નીચેની બાબત જોવી.

તિથિ : ૨,૩,૫,૬,૭,૧૦,૧૧,૧૨, વદ-૧ અને સુદ-૧૩.

વાર : સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની,રોહિણી,મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા. હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉ.ષા., શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ઉ.ભા. અને રેવતી.અનુરાધા, ઉ.ષા., શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ઉ.ભા. અને રેવતી.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

સમય : પૂર્વાહન કે મધ્યાહન શુભ, અપરાહ્ન કે રાત્રી ન લેવાય.

ચંદ્ર અને તારા : પિતાની જન્મ રાશિથી ૪,૮, કે ૧૨ મો ચંદ્ર ન લેવો તેમજ પિતાના જન્મ નક્ષત્રથી ૭,૧૦,૧૬,૧૯,અને ૨૫ મું નક્ષત્ર ત્યાગવું

પ્રક્રીર્ણ બાબત :  ગ્રહણદિન, સંક્રાંતિદિન, માતા-પિતા શ્રાદ્ધ તિથિ-દિન ત્યાગવાં. અન્ય બાબતમાં પંચાંગ શુદ્ધિ સામાન્ય જોવી. નામ ચંદ્રની રાશિથી કે નક્ષત્ર ચરણ ઉપરથી જોવાય છે.

જળ પૂજન : જનના શૌચ પછી પ્રસુતા શુદ્ધ થતાં જળપૂજન કરાવાય છે. હાલ આ મુહૂર્ત પણ નામશેષ થતું જાય છે છતાંય, અમુક કૂળમાં આ પ્રથા હોય; પરંપરાએ નીચે મુજબ મુહૂર્ત જોવાય છે.

માસ : અધિક કે ક્ષય માસ, ધનારક-મીનારક, શ્રાધ્ધનાં દિવસો (ભાદરવા માસનો કૃષ્ણ પક્ષ), પૌષ અને ચૈત્ર સંપૂર્ણ ત્યાગવા.

તિથિ : ૨,૩,૫,૭,૧૦,૧૧, સુદ-૧૩, વદ-૧

વાર : સોમવાર, બુધવાર અને ગુરુવાર.

નક્ષત્ર : મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, મૂળ અને શ્રવણ.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

સમય : અપરાહન કાળમાં શુભ લગ્ન અને ગ્રહસ્થિતિ શુભ હોતા.

પ્રક્રીર્ણ બાબત :  ગુરુ-શુક્રનાં લોપ, સિંહ નવાંશ-મકર નવાંશ કે પરમ નીચાંશ ગુરુનો જોવો તથા પ્રસુતાના પતિનો ચંદ્ર ૪,૮, કે ૧૨ ન જોઈએ તેમજ પ્રસુતાના સાસુ-સસરાની શ્રાદ્ધ તિથિ કે ગ્રહણ દિન ન જોઈએ, પંચાંગ શુદ્ધિ જોઈ શકાય.

ખાટલો કે પલંગ-સેટી ઉપર બાળકને પ્રથમ સુવડાવવાનું મુહૂર્ત :  અર્વાચિન સમયમાં આ મુહૂર્ત નામશેષ કહી શકાય. પરંપરાએ નીચે મુજબ મુહૂર્ત જોવાય છે.

તિથિ : ૨,૩,૫,૭,૧૦,૧૧, સુદ-૧૩, વદ-૧

વાર : સોમવાર,બુધવાર,ગુરુવાર, અને શુક્રવાર

નક્ષત્ર : ત્રણેય ઉત્તરા, મૃગશીર્ષ, રેવતી, ચિત્રા, અનુરાધા, રોહિણી,હસ્ત, અશ્વિની અને પુષ્ય.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

પ્રક્રીર્ણ બાબત :  ૧૦,૧૨,૧૬ કે ૨૨ મે દિવસે શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી બાળકનું મસ્તિષ્કને પૂર્વ દિશામાં રાખી સુવડાવવું.

બાળકને ઘોડિયામાં પ્રથમ વખત સુવડાવવાનું મુહૂર્ત : સામાન્ય રીતે બાળકને પ્રથમ વખત ઘોડિયામાં / પારણામાં સુવડાવવા માટે જન્મથી ૧૦,૧૨,૧૬,૧૮ કે ૩૨ મો દિવસ અથવા એક પરંપરાએ પુત્રને ૧૨ માં દિવસે અને કન્યાને ૧૩ માં દિવસે સુવડાવી શકાય. આ બાબતમાં મુહૂર્ત ની જરૂર નથી, પરંતુ ઉપરોક્ત દિવસોમાં મુહૂર્ત કરી શક્યા ન હોઈએ તો નીચે મુજબ શુધ્ધિ જોવી જોઈએ.

તિથિ : ૨,૩,૫,૭,૧૦,૧૧ સુદ-૧ અને વદ-૧

વાર : સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, મૃગશીર્ષ, ત્રણેય ઉત્તરા, હસ્ત, ચિત્રા, પુષ્ય, અનુરાધા, રોહિણી અને રેવતી.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

પ્રક્રીર્ણ બાબત :  આ ઉપરાંત સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણતા ૧ થી ૫ અને ૨૧ થી ૨૭ નક્ષત્ર શુભ ગણાય છે જે પણ જોઈ શકાય છે.

પ્રથમ વખત બાળકને બાહ્ય દૂધ પિવડાવવાનું મુહૂર્ત : માંના દૂધ ઉપરાંત બાળકને બાહ્ય / ઉપરથી દૂધ પિવડાવવા માટે જે મુહૂર્ત જોઈએ તેમાં જન્મ નક્ષત્રના (૨૭ કે ૨૮ માં) દિવસે અથવા ૩૧ માં દિવસે દૂધ પિવડાવી શકાય આ પ્રાચિન મુહૂર્તની પધ્ધતી છે.

    અર્વાચિન સ્થિતિએ બાળકને ફક્ત માનું દૂધ જ શ્રેષ્ઠમાંની છ માસ સુધી પિવડાવવામાં આવે છે અને ત્યારબાદ જ ઉપરનું દૂધ આપવું તેમ આધુનિક ડોકટરોનું કહેવું છે, આમ છતાં કયારેક માતાની સ્થિતિને લઈને પણ બાળકને છ માસ અગાઉ ઉપરથી દૂધ આપવાની ફરજ પડે છે ! ત્યારે કે છ માસ પછી નિમ્ન તિથ્યાદિનો વિચાર કરવો.

 તિથિ : ૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૫

વાર : સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા. હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા, ઉ.ષા.શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

સમય : પૂર્વાહન અને મધ્યાહનનો સમય સારો

લગ્ન : મેષ, વૃશ્વિક અને મીન લગ્ન ત્યાગવું, પાપ ગ્રહો ૩, ૬ અને ૧૧ મે  શ્રેષ્ઠ  

પ્રક્રીર્ણ બાબત :  આ ઉપરાંત યોગિની, રાહુ અને રુદ્ર મુખનો ત્યાગ કરવો એટલે કે જે દિશામાં યોગિની રાહુ અને રુદ્રનું મુખ હોય, તે દિશામાં બાળકનું માથું રાખી દૂધ ન પિવડાવવું જોઈએ. યોગિની વાસ જાણવાની ત્રણ રીત છે જે નીચે મુજબ છે.

(૧) તિથિ યોગિની :

તિથિ ૧,૯ ૨,૧૦ ૩,૧૧ ૪,૧૨ ૫,૧૩ ૬,૧૪ ૭,૧૫ ૮,૩૦
યોગિની બ્રાહ્મી માહેશ્વરી કૌમારી વૈષ્ણવી વારાહી ઈન્દ્રાણી ચંડિકા મહાલક્ષ્મી
દિશા પૂર્વ ઉત્તર અગ્નિ નૈઋત્યદક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઇશાન
         

         () વાર યોગિની :

વાર રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ
દિશા પૂર્વ ઉત્તર અગ્નિ નૈઋત્યદક્ષિણપશ્ચિમવાયવ્ય

     (૩) યામાર્ધ યોગિની:  (યામાર્ધ= અડધો પ્રહર દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત ૪ પ્રહર હોય છે જે સૂક્ષ્મ રીતે કાઢવા માટે ચોધડિયાની જેમ જ યામાર્ધ કરી સૂક્ષ્મ કરી લેવા. અહી સવારનાં ૬ થી સાંજનાં ૬ મુજબની સ્થૂળ ગણતરી કરેલ છે.)

યામાર્ધ  સમય                    ૬ થી ૭.૩૦૭.૩૦થી ૯. ૦૦ ૯ થી ૧૦.૩૦ ૧૦.૩૦ થી ૧૨  ૧૨ થી ૧.૩૦ ૧.૩૦ થી ૩ ૩ થી ૪.૩૦ ૪.૩૦ થી ૬.૦૦  
યોગિની  દિશા બ્રાહ્મી પૂર્વ  માહેશ્વરી ઉત્તર  કૌમારી અગ્નિ વૈષ્ણવી નૈઋત્યવારાહી દક્ષિણ ઈન્દ્રાણી પશ્ચિમ ચંડિકા વાયવ્ય મહાલક્ષ્મી ઇશાન  

રાહુનું મુખ જાણવાની બે રીત છે.

() ગોચર મુજબ રાશિ આધારિત રાહુનું મુખ :

રાહુની રાશી  મેષ   વૃષભ   મિથુન   કર્ક   સિંહ   કન્યા   તુલા   વૃશ્વિક   ધનુ   મકર   કુંભ   મીન
રાહુનું મુખ   પશ્ચિમ  દક્ષિણ  ઉત્તર   દક્ષિણ  પૂર્વ   ઉત્તર   દક્ષિણ  પશ્ચિમ  પૂર્વ   ઉત્તર   ઉત્તર   પૂર્વ

    (૨) વાર મુજબ રાહુનું મુખ :

વારરવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ
રાહુનું મુખ   પૂર્વ   દક્ષિણ  પશ્ચિમ  ઉત્તર   પૂર્વ   દક્ષિણ  ઉત્તર

ધટિકા રુદ્ર મુખ : ૧ ધડી = ૨૪ મિનિટ થાય. ધડીની શરૂઆત સૂર્યોદયથી થાય છે. જો સૂર્યોદય સવારના ૬ વાગ્યાનો ગણવામાં આવે તો ૦૬ થી ૦૬.૨૪ સુધીની પ્રથમ ધડી જેમાં રુદ્ર મુખ પૂર્વમાં, ૦૬.૨૪ થી ૦૬.૪૮ સુધીની બીજી ધડી જેમાં રુદ્ર મુખ ઉત્તરમાં તેમ ક્રમશ અગ્નિ, નૈઋત્ય, દક્ષિણ, પશ્ચિમ, વાયવ્ય અને ઇશાન પછી ફરી પૂર્વમાં એમ ગણતરી કરવી. એક દિનમાનમાં ૩૦ ધડી હોય છે. તે મુજબ ગણતરી કરવી.

નોંધ : જો કે બાળકને પ્રથમ વખત દુધ પીવડાવવામાં સમય પૂર્વાહન અને મધ્યાહન સુધી જ લેવાય છે.

(૬) નિષ્ક્રમણ સંસ્કાર : બાળકને પ્રથમ વખત ઘરની બહાર કાઢવાનું મુહૂર્ત એટલે નિષ્ક્રમણ સંસ્કાર. જન્મનાં ૧૨માં દિવસે આ સંસ્કાર વિના મુહૂર્તે કરી શકાય છે. ત્યારબાદ સૌરમાસ મુજબ ચોથે મહીને આ સંસ્કાર મુહૂર્ત જોઇને કરાય. આ સંસ્કારમાં સૂર્ય-ચંદ્રના દર્શનની સાથે-સાથે કૂળ પરંપરાએ મંદિરે પણ દર્શન કરાવાય છે.

તિથિ : ૨,૩,૫,૭,૧૦,૧૧,૧૫, સુદ-૧૩, વદ-૧

વાર : સોમ, બુધ, ગુરુ અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા,                                અને રેવતી. 

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

લગ્ન : ચર નવાંશકે ચર લગ્નમાં દ્વન્દ્વ -ત્રિકોણમાં શુભ ગ્રહો તથા ૩,૬ કે ૧૧ મેં પાપગ્રહ શુભ છે.

પ્રક્રીર્ણ બાબત :  આ સંસ્કાર ચોક્કસ સમય ગાળાનો હોય અન્ય બાબતો જોવાતી નથી.

– બાળકને પ્રથમ વખત ભૂમિ ઉપર બેસાડવાનું મુહૂર્ત :

જન્મનાં પાંચમાં માસે આ ક્રિયા કરાવવામાં આવે છે. આ ક્રિયાની સાથે-સાથે બાળકની આજીવીકા પણ નક્કી કરાવાય છે. જેમકે વસ્ત્ર-શસ્ત્ર-પુસ્તક-કલમ (પેન) બાળક પાસે રખાવાય છે, જેમાં બાળક જે વસ્તુને અડકે તે વસ્તુ આધારિત જે તે બાળક ધંધો કરશે આમ પરંપરાએ માનવામાં આવે છે. આંગણામાં ગાયનું છાણ લીપી સારી બેઠક બનાવીને બાળકને કમરે સૂત્ર વિંટાળી, શ્રી ગણેશ, શિવજી, વરાહ, ધરતીમાતા વગેરેનું પૂજન કરાવાય છે.

તિથિ : ૨,૩,૫,૬,૭,૮,૧૦,૧૧,૧૨,૧૫,સુદ-૧૩,વદ-૧

વાર : સોમ, બુધ, ગુરુ અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, અનુરાધા, જયેષ્ઠા, તથા ત્રણેય ઉત્તરા.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા.

પ્રક્રીર્ણ બાબત :  ચંદ્ર અને મંગળ અસ્તનાં ના હોવા જોઈએ, અર્થાત બળવાન હોવા જોઈએ.

(૭) અન્ન પ્રાસન સંસ્કાર : બાળકને પ્રથમ વખત અન્ન ખવડાવવાનું મુહૂર્ત એટલે અન્ન પ્રાસન સંસ્કાર. જેમાં પુત્ર ને બેકી માસે અને પુત્રી ને એકી માસે સૌરમાસ મુજબ ગણતરી કરી આ મુહૂર્ત કરાવવું. આ સંસ્કાર ઘરનાં વડિલવર્ગ ચાંદી કે સોનાની ચમચી દ્વારા પ્રથમ ખીર કે પંચામૃતના મિશ્રણને બાળકને ખોળામાં બેસાડીને ખવડાવે છે. જેમાં મુહૂર્ત માટે તિથ્યાદિ નીચે મુજબ લઇ શકાય છે.  

તિથિ : ૨,૩,૫,૭,૧૦ તથા સુદ-૧૩ અને ૧૫

વાર : સોમ, બુધ, ગુરુ અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા, શ્રવણ  ધનિષ્ઠા, શતભિષા, રેવતી, અને  ત્રણેય ઉત્તરા.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત :  આ સંસ્કાર મધ્યાહન સુધી જ થઇ શકે છે. જન્મ નક્ષત્ર લઇ શકાય પરંતુ સપ્ત શલાકા વિધ્ધ નક્ષત્ર ત્યાગવું, મેષ, વૃશ્વિક અને મીન લગ્ન ન લેવું તથા જન્મરાશિ અને જન્મ લગ્નથી આઠમી રાશિનું લગ્ન કે નવાંશ ત્યાગવું

(૮) ચૂડાકરણ (ચૌલ,મુંડન સંસ્કાર) : બાળકને પ્રથમ વખત ચોટી રાખી અન્ય માથાનાં વાળને કપાવવાના સંસ્કાર એટલે ચૂડાકરણ સંસ્કાર. આ સંસ્કાર જન્મનાં એકી વર્ષે ૩,૫,૭ કે પછી કુળનાં રિવાજ મુજબ કરાય છે.

માસ : દક્ષિણાયન, જયેષ્ઠ બાળક માટે જયેષ્ઠ માસ, ચૈત્ર માસ, અધિક ક્ષયમાસ તથા જન્મ માસનો ત્યાગ કરવો.

તિથિ : ૨,૩,૫,૧૦ તથા સુદ-૧૧ અને સુદ-૧૩

વાર : સોમ, બુધ, ગુરુ અને શુક્રવાર. જેમાં જન્મવાર અને વદ દશમ પછીનો સોમવાર ત્યાગવો.

નક્ષત્ર : અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતી, જયેષ્ઠા, અભિજિત, શ્રવણ  ધનિષ્ઠા, શતભિષા, અને રેવતી.

તારા: સંપત, ક્ષેમ, સાધક, મૈત્ર અને અતિ મૈત્ર તારા શુભ છે, જન્મ, વિપદ (પ્રથમ ચરણ), પ્રત્યરિ (છેલ્લું ચરણ), વધ (ત્રીજું ચરણ) તથા ૧,૩,૫,૭,૧૦,૧૨,૧૪,૧૬,૧૯,૨૧,૨૩,અને ૨૫ મી તારા ત્યાગવી, પરંતુ ચંદ્ર બળવાન હોય (મુહૂર્ત કુંડળીમાં ૫ કે ૯ મેં હોય, સ્વગ્રહી, મિત્રક્ષેત્રી, પોતાની ઊંચરાશિમાં) તો લઈ શકાય શપ્ત શલાકા ચક્રમાં વિધ નક્ષત્રનો ત્યાગ કરવો.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત :  પૂર્વાહન-મધ્યાહન સમય શ્રેષ્ઠ જેમાં શુભ લગ્નો લઇ શકાય, ચંદ્ર ૪,૮,૧૨ મો ત્યાગવો તથા પંચાંગ શુધ્ધિ જોવી. બાળકની માતા પાંચ માસથી વધુ સમયની ગર્ભવતી હોય, રજસ્વલા હોય, બાળક બિમાર હોય છ માસની અંદર માંગલિક કાર્ય થયું હોય તો તેવો સમય ત્યજવો.

ક્ષૌર કર્મ : ચૂડાકરણ તેમજ કેશાન્ત સંસ્કાર ઉપરાંત જીવન પર્યત વાળ, મુંછ, દાઢી, નખ વગેરેની સ્વચ્છતા રાખવી જરૂરી થઇ પડે છે !  ચૂડાકરણનાં સંસ્કારમાં અપાયેલ તિથ્યાદિ મુજબ ક્ષૌર કર્મ કરાવી શકાય છે. પરંતુ ક્ષૌર કર્મનું મુહૂર્ત દરેક વ્યક્તિએ જોવું જરૂરી નથી. તેમાં અમુક વ્યક્તિ અને અમુક સમયે ક્ષૌર કર્મ કરાવી શકાય છે. જેમ કે નીચેની સ્થિતિ હોતાં કોઈએ પણ ક્ષૌર કર્મ ન કરાવવું જોઈએ.

            (૧) શ્રાધ્ધદિન (૨) વિષ્ટિ (૩) વ્યતિપાત (૪) વ્રતનો દિવસ (૫) ૪,૬,૮,૯,૧૪ તિથિનાં (૬) યાત્રામાં (૭) દેવપૂજન કરતાં (૮) શરીર પર તેલ માલીશ કરીને (૯) યુધ્ધમાં (આવેશ ભરેલા કાર્યોમાં) જતાં (૧૦) પ્રથમ ક્ષૌર કરાવેલનાં નવમે દિવસે (૧૧) જમ્યા પછી તરત (૧૨) સ્નાન પછી કે તૈયાર થઈને (૧૩) રવિ,મંગળ, શનિવારે (૧૪) બંને સંધ્યાએ કે રાત્રીએ (૧૫) આસન વગર ભૂમિ ઉપર બેસીને.

          ઉપરની સ્થિતિને બાદ કરતા- વિના મુહૂર્તે ક્ષૌર કર્મ કરાવી શકાય (૧) બ્રાહ્મણ કે રાજાના કહેવાથી (૨) જે વ્યક્તિ રાજકીય સેવામાં પ્રવૃત છે. (૩) જે વ્યક્તિ વાળને / શરીરને લઇ આજીવીકા મેળવે છે જેમ કે કલાકારો- નાટ્યકારો વગેરે… (૪) ૫૦ વર્ષ કરતા જે ઉમરમાં મોટા છે (૫) નીચેની પરિસ્થિતિમાં પણ મુહૂર્ત જોવું જરૂરી નથી (ક) યજ્ઞમાં (ખ) વ્રતનાં અંતમાં (ગ) રોગથી મુક્ત થતાં (ધ) પશ્ચાતાપ કે પ્રાયશ્ચિતમાં (ચ) વિવાહ વેળાં (છ) જેલમાંથી મુક્ત થતાં (જ) દિક્ષા ના સમયે (ઝ) અંતિમ સંસ્કાર કે મૃતાશૌચની નિવૃત્તિ ઉપર.

(૯) કર્ણવેધ સંસ્કાર : જન્મનાં ૧૨ કે ૧૬ મેં દિવસે ૬,૭, કે ૮ મે માસે કે જન્મનાં એકી વર્ષે ૩ જે કે ૫ મે વર્ષે બાળકને કાન વિંધાવવામાં આવે છે. શરીર વિજ્ઞાન (એક્યુપ્રેશર) મુજબ કાનની કોષિકામાં છેદ કરવાથી જ્ઞાન તંતુઓ સક્રીય થાય છે. બુધ્ધિ તેજીલી થાય છે.

માસ : જન્મનો માસ (અપવાદે જરૂરિયાતે લઇ શકાય), અધિક-ક્ષયમાસ, ધનારક-મીનારક, દેવશયનનો સમય (અષાઢ સુદ ૧૧ થી કારતક સુદ ૧૧ સુધી)

તિથિ : ૨,૩,૫,૭,૧૦,૧૨ અને સુદ- ૧૩

વાર : સોમ, બુધ, ગુરુ અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, શ્રવણ ધનિષ્ઠા, અને રેવતી.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત :  જન્મનક્ષત્ર તેનાથી ૧૦ મું અને ૧૯ મું નક્ષત્ર ત્યાગવું તેમજ સપ્તશલાકામાં વિધ્ધનક્ષત્ર પણ ત્યાગવું. આ સંસ્કાર પૂર્વપૂર્વાહન તેમજ મધ્યાહનમાં શુભગ્રહના લગ્નમાં લગ્ન શુધ્ધિ જોઇને કરાય છે. બાળકના જન્મ ચંદ્રથી ગોચરમાં ચંદ્ર અને સૂર્ય ૪,૮,૧૨ મેં ન જોઈએ તેમજ ક્ષય- અધિક માસ, ગુરુ-શુક્રનો લોપ, સંક્રાતિ, શ્રાધ્ધ દિન, હોળાષ્ટક, સિંહ અને મકર રાશિનો ગુરૂનો દોષ તેમજ પંચાંગ શુધ્ધિ જોવી.

નાસિકા વેધ મુહૂર્ત : કર્ણ વેધ સંસ્કારની સાથે જ પુત્રીની નાસિકાનો પણ વેધ કરાય છે. કયારેક કોઈ કારણોસર નાસિકા વેધ ન થઇ શક્યો હોય તો કર્ણ વેધમાં બતાવેલ તિથ્યાદિનાં ઉપરાંત નક્ષત્રોમાં સ્વાતી, શતભિષા અને ત્રણેય ઉત્તરા લઈ શકાય છે. બાકીનું બધું જ કર્ણવેધ સંસ્કારમાં છે તે જ નિયમો અનુસરવાં.

(૧૦) અક્ષરારંભ સંસ્કાર : બાળકને પ્રથમ વખત અક્ષર- વર્ણનું જ્ઞાન આપવાની શરૂઆત ને તે અક્ષરારંભ સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ધર્મશાસ્ત્રીય ઉંમર તેમના માટે  ૫ વર્ષ નિશ્ચિત માનવામાં આવે છે.

માસ : મીનારક અને હરિશયન છોડી, ઉતરાયણ શ્રેષ્ઠ છે.

તિથિ : ૨,૩,૫,૬,૧૦, સુદમાં ૭,૧૧ અને ૧૨ વધુમાં લઇ શકાય.

વાર : રવિ, સોમ મધ્યમ તથા બુધ, ગુરૂ અને શુક્રવાર શ્રેષ્ઠ.

નક્ષત્ર : અશ્વિની, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, શ્રવણ, સ્વાતી, અનુરાધા, અને રેવતી. જન્મ નક્ષત્ર અને સપ્તશલાકા વિધ્ધ નક્ષત્ર ત્યાગવું.  

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત :  પૂર્વાહન અને મધ્યાહનનાં શુભલગ્નો નવાંશમાં આ સંસ્કાર થાય. ઉપરાંત ગુરૂનો સિંહ રાશિ, મકર રાશિ દોષ, વૃધ્ધિ-ક્ષય માસ, તિથિ, શ્રાધ્ધ દિવસો, હોળાષ્ટક, સંક્રાંતિ ત્યાગવા તેમજ પંચાંગ શુધ્ધિ જોવી.

(૧૧) ઉપનયન સંસ્કાર :  બાળકને સામાન્ય રીતે ૫ થી ૮ વર્ષની વચ્ચે ઉપનયન-જનોઈ-યજ્ઞોપવિત-વ્રતબંધ-મેખલા-મૌજી-બ્રીજ સંસ્કાર આપવામાં આવે છે. જો કે વર્ણાનુસાર પણ વર્ષો નક્કી કરેલાં છે.

માસ : મહા,ફાગણ,ચૈત્ર,વૈશાખ અને જેઠ.

તિથિ : ૨,૩,૫, સુદ-૬,૧૦,૧૧,૧૨ તેમજ ફરીથી ઉપનયન માટે સુદ-૭,૧૩, અને વદ-૧.

વાર : રવિ,સોમ,બુધ,ગુરૂ,અને શુક્રવાર. મંગળવાર સામવેદી (ક્ષત્રીયો માટે).

નક્ષત્ર : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતી,અનુરાધા, ત્રણેય ઉત્તરા, શ્રવણ  ધનિષ્ઠા, શતભિષા, અને રેવતી. શ્રેષ્ઠ ગણાય જયારે આર્દ્રા, આશ્લેષા, પૂ.ભા., પૂ.ષા. અને મૂળ મધ્યમ.  

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત : પૂર્વાહન અને મધ્યાહનનાં લગ્નોમાં નવાંશમાં મુહૂર્ત શુધ્ધિ જોઈ આ સંસ્કાર થાય. પરિવારમાં ૩ પેઢીની અંદર વિવાહ થયા હોય તો ૬ માસ (સૌર) પછી યજ્ઞોપવિત સંસ્કાર થાય. જો માતા ૫ માસ કરતા વધુ સમયની ગર્ભવતી હોય, કે રજસ્વલા હોય તો આ સંસ્કાર શુધ્ધ થયા પછી જ કરવો પરંતુ નાંદી શ્રાધ્ધ કરેલ હોય તો શાંતિ કરાવી ઉપનયન આપી શકાય છે. તથા જેઠ માસમાં પ્રથમ ગર્ભ (મોટા દીકરા) નો સંસ્કાર ન કરવો. બ્રાહ્મણ વર્ણને છોડી અન્ય વર્ણ માટે જન્મ માસ પ્રથમ ગર્ભ માટે ત્યાગવો. તેમજ પંચાંગ શુધ્ધતામાં ચૈત્ર માસમાં મીનારક હોતા પણ મુહૂર્ત લેવાય. ગોચરીય સ્થાનમાં ત્રિબલ શુધ્ધિ ન હોતાં પોતાના કુળગોરને પૂછી પૂજા કરાવીને આગળ વધવું, ગુરૂ – શુક્રનાં લોપનો સમય, વૃધ્ધિ માસ / તિથિ, અનાધ્યાય દિવસો ત્યાગવા તેમજ પંચાંગ શુધ્ધિ જોવી.

            અસ્ત્ર / શસ્ત્રધારણ મુહૂર્ત : ક્ષત્રિય વર્ણથી સંબંધિત આ મુહૂર્ત છે. જેમાં યજ્ઞોપવિત પછી અને વિવાહ પહેલાં કમરે શસ્ત્ર ધારણ કરાવાય છે. સામાન્ય રીતે ઉપનયનમાં અપાયેલ તિથ્યાદિના નિયમો તેમજ વધારેમાં મંગળવારે ત્યાગવો અને મંગળનો પણ અસ્ત ન હોવો જોઈએ.

(૧૨) વિદ્યારંભ (વેદારંભ) સંસ્કાર :  વિદ્યાઆરંભ કે વેદ ભણવાના આરંભને આ સંસ્કારમાં ગણવામાં આવે છે, પ્રાચિન સમયમાં યજ્ઞોપવિત પછી વેદ ભણાવવામાં / ભણવામાં આવતા આ જ વસ્તુને અર્વાચિન યુગમાં વેદની સાથે-સાથે ઉચ્ચ અભ્યાસના સંદર્ભમાં ગણાવી શકાય !

માસ :  સૌર ચૈત્ર માસ છોડી, ઉતરાયણમાં.

તિથિ : ૨,૩,૫,૧૦ તથા સુદ-૬,૧૧,અને ૧૨

વાર : રવિ, બુધ, ગુરૂ અને શુક્રવાર

નક્ષત્ર : અશ્વિની, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, શ્રવણ, સ્વાતી, ધનિષ્ઠા, શતભિષા, મૂળ, આશ્લેષા, ત્રણેય પૂર્વા તેમજ અનુરાધા રેવતી, રોહિણી, અને ત્રણેય ઉત્તરા પણ લઈ શકાય.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત : ક્ષય-વૃધ્ધિ, માસ / તિથિ, હોળાષ્ટક, ગુરૂ સિંહ-મકર રાશિદોષ, શ્રાધ્ધ દિન, ગુરૂ તથા શુક્રનો લોપ વગેરે તેમજ પંચાંગ શુધ્ધિ જોવાય.

(૧૩) કેશાન્ત (દાઢી-મુંછ) સંસ્કાર : કિશોર અવસ્થા પ્રાપ્ત થતાં જયારે પ્રથમ વખત દાઢી-મુંછ ઉગે છે ત્યારે તેમને કાપવાના સંસ્કારને કેશાન્ત સંસ્કાર કહે છે.સામાન્ય રીતે ૧૬ મે વર્ષે આ સંસ્કાર કરાવાય છે. જેમાં ચૂડાકરણમાં ઉપયોગમાં લેવાતા તિથ્યાદિ જ કેશાન્તમાં ઉપયોગમાં લેવાય છે.

(૧૪) સમાવર્તન (વેદસ્નાન, દીક્ષાંત) સંસ્કાર : અભ્યાસ, જ્ઞાન ધર્મઅધ્યયન પૂર્ણ કરી ઘરે પાછા ફરવાની ધર્મશાસ્ત્રીય ક્રિયા તે સમાવર્તન સંસ્કાર.

માસ : ઉતરાયણ ઉત્તમ ગણાવી શકાય.

તિથિ : ૨,૩,૫,૬,૭,૧૧,૧૨ તથા સુદ-૧૩

વાર :  રવિ,સોમ,બુધ,ગુરૂ, તથા શુક્રવાર.

નક્ષત્ર : અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા આર્દ્રા, વિશાખા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રોહિણી, રેવતી, અને ત્રણેય ઉત્તરા.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત : ગુરૂ-શુક્ર ઉદય અવસ્થામાં તેમજ ચંદ્ર-તારાબળ હોતાં અને યજ્ઞોપવિતનાં સંસ્કારમાં અપાયેલ તિથ્યાદિમાં પણ કરાય.

(૧૫) વિવાહ (લગ્ન) સંસ્કાર : પાણિગ્રહણ કે કન્યાદાનનાં ઉદેશ્યને ધ્યાનમાં રાખી અહીં વિવાહ મુહૂર્ત-સંસ્કારને લેવામાં આવેલ છે જેમાં, ગાંધર્વ, અસુર,રાક્ષસ અને પૈશાચ વિવાહમાં બધા જ સમયો શુભ છે પરંતુ પ્રાજાપત્ય, બ્રાહ્ય, દૈવ અને આર્ષ વિવાહમાં મુહૂર્તની જરૂરીયાત ગણાવી શકાય.

માસ : અલગ-અલગ વિભાગોમાં લગ્ન-વિવાહનાં મુહૂર્તોનાં માસોમાં ભિન્નતા-અપવાદો છે. અહીં આપણે ગુજરાત-મહારાષ્ટ્રની જ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ધનારક-મીનારકનો દોષ નથી જયારે ગુજરાતમાં આ સમય ઉપરાંત દેવશયનનાં સમયમાં પણ વિવાહ થતાં નથી તેમજ ગુરૂ-શુક્રનાં લોપમાં, ગ્રહણનક્ષત્ર, કુક્રાંતનક્ષત્ર, ક્ષય-વૃધ્ધિ માસ વગેરે ત્યાગાય છે.

તિથિ : હાલ સુદ-૧ તથા વદ-૧૩,૧૪,૩૦ તિથિઓ ત્યાગી અન્ય તિથિ લેવાય છે.

વાર : સાતેય વાર લેવાય છે.

નક્ષત્ર : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, મધા, શ્રવણ, હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા, મૂળ, ધનિષ્ઠા, રેવતી તથા ત્રણેય ઉત્તરા.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

પ્રક્રીર્ણ બાબત : વિવાહમાં પંચશલાકાચક્ર જોવું, ઉપરાંત પંચાંગ શુધ્ધિમાં ઉપયોગી જેમ કે સંક્રાંતિ પુણ્યકાળ, મહાપાતો વગેરે જોવાં તથા ત્રિબલ શુધ્ધિ જોવી.

(૧૬) અન્ત્યેષ્ટિ (અંતિમ) સંસ્કાર : અંતિમ સંસ્કાર એટલે મૃતકને દાહ દેવાની ક્રિયાના સંદર્ભમાં અહીં અર્થ લઈશું. જો કે આ ક્રિયાને બે પ્રકારની સ્થિતિમાં અર્થ લેવો પડે છે (૧) મૃતકનું શરીર હાજર હોય (૨) મૃતકનું શરીર હાજર ન હોય.

મૃતકનું શરીર હાજર હોતાં :  પરિવારજનો દ્વારા યથાશિધ્ર સૂર્યોદયથી સૂર્યાસ્તનાં ગાળામાં આ સંસ્કાર કરાય છે. જેમાં પંચક,દ્વિપુષ્કરયોગ કે ત્રિપુષ્કરયોગ હોતાં તેમની શાંતિ કર્યા પછી વિધાન કરાય છે.

મૃતકનું શરીર હાજર ન હોતાં : પરિવારજનો પાસે જયારે મૃત વ્યક્તિનું શરીર હાજર નથી હોતું ત્યારે મુખ્યત્વે આ ક્રિયા ૩ સમયમાં થાય છે. જો કે કુલાચારને પણ પ્રાધાન્ય અપાતું હોય છે. આ ક્રિયામાં મૃત વ્યક્તિનાં બદલામાં પુતલ (પુતળું) ને દાહ અપાય છે. જેમાં મૃતાશૌચના સમય ગાળામાં, એક વર્ષનાં સમયમાં અને એક વર્ષ પછીનાં સમયમાં, પંચકાદિની શાંતિ કરી નીચે અપાયેલ તિથ્યાદિ જે પણ વધુ મળે તે લેવાય.

(૧) મૃતાશૌચનાં સમય ગાળામાં : કૂળાચાર પ્રમાણે મૃતાશૌચ દરમ્યાન.

તિથિ : વદમાં – ૨,૩,૪,૫,૭,૮,૯,૧૦ અને ૧૨.

વાર : રવિ,સોમ,બુધ (મધ્યમ), ગુરુવાર

નક્ષત્ર : અશ્વિની, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, તથા ત્રણેય ઉત્તરા.

કરણ : વિષ્ટિ છોડી બાકીનાં લઇ શકાય.

યોગ : દોષયુક્ત નવયોગો તથા તેના ત્યાજ્ય સમયો છોડવા

ચંદ્ર-તારા : ૪,૮,૧૨ મો ચંદ્ર અને તારા જોતાં જન્મ ૫,૧૦,૧૪,૧૯,૨૩ માં ત્યાગવાં

(૨) એક વર્ષનાં સમયમાં : મૃત વ્યક્તિની ખબર પરિવારજનોને એક વર્ષની અંદર થાય તો ઉપરનાં તિથ્યાદિ ઉપરાંત ક્ષય-વૃધ્ધિ માસ અને ગુરૂ-શુક્રનો લોપ જોવો.

(૩) એક વર્ષ પછીનાં સમયમાં :  મૃત વ્યક્તિની ખબર પરિવારજનોને એક વર્ષ પછી થાય તો ઉપરનાં (૧) અને (૨) નાં નિયમો ઉપરાંત ઉતરાયણમાં જ આ ક્રિયા કરવી.

નોંધ : તિથિમાં જ્યાં સુદ / વદનો ઉલ્લેખ નથી ત્યાં બન્ને પક્ષની તિથિઓ સમજવી. આ ઉપરાંત સંસ્કારોમાં ગોચરીય સ્થિતિ ઉપર પણ ભાર મૂકવો. વિદ્વાન બ્રાહ્મણોની સલાહ લઈ ઉત્તમ મુહૂર્તોમાં સંસ્કારોને સંપન્ન કરવા જોઈએ. અપવાદે સંસ્કારોનાં ક્રમ ક્યાંક એકાદ – બે આગળ-પાછળ ધર્મશાસ્ત્રીય માપદંડે મૂક્યા છે !  

error: Content is protected !!